આજે વરસાદી છાંટા રથયાત્રાનું સ્વાગત કરશે, જાણો ચોમાસા અંગે હવામાન વિભાગની સંપૂર્ણ આગાહી

Posted by

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા અને છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આજે અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી રહી છે કે આ રથયાત્રા પર મેઘરાજા પણ પોતાની અમી વર્ષા વરસાવી શકે છે.

આજે અમદાવાદના રાજમાર્ગો ૧૪૬મી રથયાત્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને ભારે જનમેદની સાથે વરસાદી છાંટા પણ આ રથયાત્રાનું સ્વાગત કરશે. આજે અષાઢી બીજના અવસરે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે જો અષાઢી બીજે વરસાદ થાય તો આખું વર્ષ સારું જાય એવા એંધાણ છે.

ચોમાસા અંગે આગાહી

હવામાન વિભાગે ચોમાસા અંગે આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાતમાં હજુ ચોમાસાની સત્તાવાર આગમનની જાહેરાત કરી શકાય એમ નથી. હમણાં થોડાં દિવસોમાં જે ભારે વરસાદ પડ્યો તે બિપોરજોય વાવાઝોડાંને કારણે પડ્યો હતો. વાવાઝોડું શાંત થતાં જ વરસાદ પણ શાંત થઈ જશે અને ફરીથી રાજ્યમાં ગરમીનો પારો વધવા લાગશે.

હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે ચોમાસું હજુ મહારાષ્ટ્રના દક્ષિણ છેડે પહોંચ્યું છે. ચોમાસાને સત્તાવાર રીતે ગુજરાત પહોંચતાં હજુ અઠવાડીયું લાગી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન ૨૭ જુન પછી થઈ શકે છે. તારીખ ૨૭ અને ૨૮ જુન સુધીમાં હળવો વરસાદ વરસી શકે છે અને તારીખ ૫ જુલાઈ સુધીમાં ભારે વરસાદ સાથે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.

એક નજર જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ જિલ્લાનું તાપમાન ૨૮ ડીગ્રી થી વધીને ૩૭ ડીગ્રી સુધી પહોંચશે, જ્યારે આણંદ જિલ્લાનું તાપમાન ૩૬ ડીગ્રી સુધી રહેવાની શક્યતા છે. આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ૩૭ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે. જો ભેજની વાત કરીએ તો આજે અમરેલી જિલ્લાની આબોહવામાં ૫૬% જેટલો ભેજ રહેશે.

આજે સુરન્દ્રનગર, સુરત, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને ગાંધીનગર જિલ્લામાં ૩૬ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે, જ્યારે ખેડા અને બોટાદ જિલ્લામાં ૩૮ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે અરવલ્લી, ભરુચ, મોરબી, નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લામાં ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં ૩૪ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આજે ડાંગ, દેવભુમિ દ્વારકા, દાહોદ, પાટણ, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં ૩૩ ડીગ્રી જેટલું તાપમાન રહેશે, જ્યારે ગીરસોમનાથ અને બનાસકાંઠા જિલ્લામાં ફક્ત ૩૨ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે રાજકોટ જિલ્લામાં સૌથી ઓછું ૩૧ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા છે. ઓછા તાપમાનની સાથે સમગ્ર રાજ્યમાં આજે ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે કેટલાંક ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *