આજના દિવસે જ પસંદ કરાયો હતો આપણો રાષ્ટ્રધ્વજ, આટલા થયા હતા ફેરફાર

આજના દિવસે જ પસંદ કરાયો હતો આપણો રાષ્ટ્રધ્વજ, આટલા થયા હતા ફેરફાર

દેશને 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી હતી. આઝાદી મળી તેના 23 દિવસ પહેલાં સંવિધાન સભાએ દેશના સત્તાવાર ધ્વજને અંગીકાર કર્યો હતો. ત્યારથી આજ સુધીમાં દેશના રાષ્ટ્રધ્વજમાં ઘણા ફેરફાર થઈ ચુક્યા છે.

અંગ્રેજોનો યુનિયન જેકનો થતો હતો ઉપયોગ

તિરંગો દેશની આન બાન શાન છે. તેનું આપણા દેશના ઇતિહાસમાં ખૂબ મહત્વ છે. આઝાદી પહેલા જ આગેવાનોએ તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર કરવાની ઈચ્છા રાખી હતી. તિરંગાને જે તે સમયે ઘણા આંદોલનમાં ઉપયોગમાં લેવાયો હતો. જોકે, તે સમયે ભારત પાસે કોઈ સત્તાવાર ધ્વજ નહોતો. જેથી અંગ્રેજોનો યુનિયન જેક જ પ્રસંગોપાત ઉપયોગમાં લેવાતો હતો. સૌપ્રથમ ધ્વજ બ્રિટિશ પ્રતીકો પર આધારિત બનાવવામાં આવ્યો હતો. તે સ્ટાર ઓફ ઇન્ડિયા તરીકે જાણીતો હતો. સ્ટાર ઓફ ઇન્ડિયા એ ઘણા ધ્વજોનું સમૂહ હતું. જેનો પ્રસ્તાવ બ્રિટીશે મૂક્યો હતો.

બંગાળના ભાગલાથી નવી દિશા મળી

1905માં જ્યારે બંગાળનું પહેલું વિભાજન થયું ત્યારે એક નવો ભારતીય ધ્વજ સામે આવ્યો હતો. જેને દેશના લોકોને એક કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ ધ્વજ વંદે માતરમ ધ્વજ તરીકે જાણીતો હતો. બ્રિટીશ શાસન સામે સ્વદેશી આંદોલન દરમિયાન તેને લોન્ચ કરવામાં આવ્યો હતો.

562 રજવાડાના અલગ અલગ ધ્વજ

હજારો વર્ષો સુધી દેશ એક ધ્વજ હેઠળ નહોતો. 2300 વર્ષ પહેલાં મોર્ય સામ્રાજ્યનો આખા ભારત પર અધિકાર હતો, ત્યારે પણ દેશનો રાષ્ટ્રીય ધ્વજ નહોતો. 17મી સદીમાં મુગલ સામ્રાજ્ય સમયે પણ તેવી જ હાલત હતી. આઝાદી પહેલા દેશમાં 562 રજવાડાના અલગ અલગ ધ્વજ હતા.

કોણે ડિઝાઇન કર્યો હતો ધ્વજ

રાષ્ટ્રધ્વજની ડિઝાઇનમાં સ્વતંત્રતા સેનાની પીંગલી વેંકૈયાની ભૂમિકા મુખ્ય હતી. તેમણે વર્ષ 1916થી 1921 સુધી 30 દેશોના રાષ્ટ્રધ્વજનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન 1921માં કોંગ્રેસના સંમેલનમાં તેમણે પોતે ડિઝાઇન કરેલો ધ્વજ રજૂ કર્યો હતો. જેમાં લાલ અને લીલો કલર મુખ્ય હતા. લાલ રંગ હિન્દૂ અને લીલો રંગ મુસ્લિમ ધર્મનું પ્રતિનિધિત્વ કરતો હતો. આજે પીંગલી વેંકૈયાને લોકોએ ભુલાવી દીધા છે.

ધ્વજમાં ચરખો મુકવાનું ગાંધીજીનું સૂચન

દેશના ધ્વજમાં સફેદ કલર અને ચરખો ગાંધીજીના કહેવાથી જ સામેલ કરાયો હતો. તે વખતે ચરખો અંગ્રેજ સામે ક્રાંતિનું પ્રતીક હતો. જ્યારે સફેદ રંગ અન્ય સમુદાયને પ્રદર્શિત કરશે તેવું બાપુનું કહેવું હતું. આવી રીતે ધ્વજ લાલ, લીલા અને સફેદ કલરનો તિરંગો બની ગયો હતો.

આઝાદી પહેલા થયા આટલા ફેરફાર

1931માં તૈયાર કરાયેલા તિરંગો અને 22 જુલાઈ 1947એ રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવેલા તિરંગા વચ્ચે ઘણો ફરક છે. લાલ રંગના સ્થાને કેસરી રંગ નક્કી કરાયો હતો. હિન્દૂ ધર્મનો કેસરિયો રંગ સાહસ, ત્યાગ, બલિદાન અને વૈરાગ્યનું પ્રતીક છે. આ ઉપરાંત અશોક ચક્રને પણ ધ્વજમાં સ્થાન અપાયું હતું.

ચરખો હટાવી લેવાતા ગાંધીજી થયા હતા નિરાશ

ઘણા લોકો ચરખો રાખવાના વિરોધમાં હતા. જેમાં કેટલાક કોંગ્રેસીઓ પણ શામેલ હતા. ધ્વજમાં કેન્દ્ર સ્થાને શૌર્યનું પ્રતીક રાખવામાં આવી તેવી માંગ ઉઠી હતી. કેટલાક લોકો ધ્વજમાં ગાંધીજીનું રમકડું રાખવાનું શું કારણ છે તેમ કહી વિરોધ કરી રહ્યા હતા. પરિણામે ચરખો હટાવી લેવાયો હતો અને ધ્વજમાંથી ચરખો હટાવી લેવાતા ગાંધીજી નિરાશ થયા હતા.

સમ્રાટ અશોકનું વિજયનું પ્રતીક

અશોક સામ્રાજ અફઘાનિસ્તાનથી લઈ બાંગ્લાદેશ સુધી ફેલાયેલું હતું. જેથી તિરંગાની મધ્યમાં રહેલું અશોક ચક્ર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. તેને ધર્મ ચક્ર પણ કહેવાય છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.