અમેરિકા ના ૩ મિત્રો એ 3.5 લાખ ડોલર ની નોકરી છોડી,ડીઝલની ડોર સ્ટેપ ડિલિવરીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, મહિને 3 કરોડનું ટર્નઓવર

વડોદરામાં ચાર યુવાનો મળીને ડીઝલની ડોર સ્ટેપ ડિલિવરીની સર્વિસ આપતું ફ્યુલી સર્વિસ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ યુવાનો કહે છે, ‘અમે ચારેય મિત્રો એકવાર રાજસ્થાનમાં ફરવા ગયા હતા, જ્યાં અમારી કારમાં ડીઝલ ખૂટી જતાં રસ્તામાં જ અટવાઇ ગયા, નજીકમાં કોઇ પેટ્રોલ પંપ નહોતો. જેથી અમે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા, જેથી અમારે નજીકના ગામમાં જઇને ડબલ રૂપિયા ચૂકવીને ડીઝલ ખરીદવું પડ્યું હતું. આ વિકટ પરિસ્થિતિના સમયે મનમાં એક વિચાર આવ્યો હતો અને જે આજે એક કંપનીના સ્વરૂપે સાકાર થયો છે. અમે 50 લાખ રૂપિયાના રોકાણથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું અને હવે દર મહિને 3 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છીએ છીએ.
ધંધાકીય એકમો અને ખેડૂતોને ડીઝલની ડિલિવરી કરવામાં આવે છે
વડોદરા શહેરના 25 વર્ષીય પૂર્વમ પટેલ, 24 વર્ષીય અલય પટેલ, 32 વર્ષીય વ્યોમ અમીન અને 33 વર્ષીય સપન પટેલે મળીને 9 મહિના પહેલાં ફ્યુલી સર્વિસ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. વડોદરા શહેરમાં હોસ્પિટલ્સ, હોટલ્સ અને મોલ્સ ઉપરાંત કંપનીઓ સહિત વિવિધ એકમોમાં ફ્યુલી સર્વિસીઝ તરફથી ડીઝલ પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કંપનીઓ, ધંધાકીય એકમો અને ખેડૂતોને પણ ડીઝલની ડિલિવરી કરવામાં આવી રહી છે.
યુવાને અમેરિકામાં 3.5 લાખ ડોલરની નોકરી છોડી
આ અંગે વાત કરતાં કંપનીના ઇનોવેશન એન્ડ ટેક્નોલોજીના ડિરેક્ટર સપન પટેલ કહે છે, ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઇન ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હું અમેરિકામાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો, જ્યાં મારી વાર્ષિક સેલેરી 3.5 લાખ ડોલર હતી, પરંતુ મારે દેશમાં આવીને કંઇક નવું કરવાની ઇચ્છા હતી, જેથી હું નોકરી છોડીને અમેરિકાથી ભારત પરત આવી ગયો હતો અને મારા મિત્ર વ્યોમ અમીનને મળ્યો હતો. અમે બંનેએ મળીને ફ્યુલી સર્વિસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. એમાં પૂર્વમ અને અલય પણ જોડાયા હતા. ત્યાર બાદ અમે ઓગસ્ટ-2020માં કંપની રજિસ્ટર કરી હતી અને નવેમ્બર-2020થી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
માર્કેટ ભાવથી જ ડીઝલની ડિલિવરી કરવામાં આવે છે
કંપનીના માર્કેટિંગ એન્ડ ઓપરેશન ડિરેક્ટર પૂર્વમ્ પટેલે જણાવ્યું હતું કે ડીઝલની હોમ ડિલિવરીના બિઝનેસ માટે 1000 લિટર, 4000 લિટર અને 6000 લિટરની સંગ્રહ ક્ષમતાવાળી 3 ટેન્કર(બાઉઝર) ડિન્સપેન્સર યુનિટ સાથે તૈયાર કરાવી છે. ડીઝલની ડિમાન્ડ માટે કોલ આવે તરત જ ટેન્કર રવાના કરી દેવામાં આવે છે. માર્કેટ ભાવથી જ ડીઝલની ડિલિવરી કરવામાં આવે છે. ડીઝલની ડોર સ્ટેપ ડિલિવરી આપતું ગુજરાતનું અમારું આ પહેલું સ્ટાર્ટઅપ છે.
5 વર્ષમાં દેશભરમાં બિઝનેસને પહોંચાડવાનો લક્ષ્યાંક
કંપની CFO વ્યોમ અમીને જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ડીઝલનો ઓર્ડર કરીને પેમેન્ટ કરે એટલે 30 મિનિટમાં અમે ડિલિવરી આપીએ છીએ. અમે હાલ ક્વોલિટી પર ખાસ ધ્યાન આપી રહ્યા છીએ. ગ્રાહકને પૂરું અને પ્યોર ડીઝલ મળે એ માટે અમે કાર્યરત છીએ. હાલ અમે મધ્ય ગુજરાતથી શરૂઆત કરી છે. આગામી સમયમાં ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી આપવાનું આયોજન છે અને 5 વર્ષમાં આખા દેશમાં આ બિઝનેસને પહોંચાડવાનું અમારો લક્ષ્યાંક છે.
સમાજને કંઈક આપવાની ઇચ્છા હતી
કંપનીના ઓપરેશન એન્ડ લોજિસ્ટિક્સ ડિરેક્ટર અલય પટેલે જણાવ્યું હતું કે અમને સમાજે ઘણું બધું આપ્યું છે, જેથી અમને પણ સમાજને કંઇક આપવાની ઇચ્છા હતી, જેથી અમારા સ્ટાર્ટઅપ થકી અમે ગામડાંના ઘર-ઘર સુધી પહોંચીને ડીઝલની ડોર સ્ટેપ ડિલિવરી આપીએ છીએ. અમારી પાસે હાલ 3 બાઉઝર છે, જેમાંથી 1 બાઉઝર હંમેશાં ગામડાંમાં જ ડીઝલની ડિલિવરી આપે છે. અમારા સ્ટાર્ટઅપથી ડીઝલની લીકેજ, ચોરી અને ભેળસેળને અટકાવવાનો અમારો પ્રયાસ છે. આ ઉપરાંત ગ્રાહકોને હવે પેટ્રોલ પંપ સુધી જવું ન પડતું હોવાથી તેમનો ખર્ચ બચી જાય છે. આ ઉપરાંત પેટ્રોલ પંપ પર વાહનો ન જતાં હોવાથી પર્યાવરણને બચાવી શકાય છે.
ત્રણેય બાઉઝર તમામ ફેસિલિટી ધરાવે છે
અલગ-અલગ સંગ્રહ ક્ષમતાવાળા ત્રણ બાઉઝર તમામ ફેસિલિટી ધરાવે છે, જેમાં પેટ્રોલ પંપ જેવું ડિસ્પેન્સર યુનિટ હોય છે, જેનાથી ગ્રાહકને ડીઝલની ડિલિવરી કરતાં આંકડા જોવા મળે છે. આ ઉપરાંત ડીઝલ ખરીદીની રિસીપ્ટ અને ઇનવોઇસ પણ ઉપલબ્ધ થાય છે. ત્રણે બાઉઝરમાં સિક્યોરિટી ફીચર્સ સાથેના કેમેરા લગાડાયા છે. આ ઉપરાંત ડીઝલનો જથ્થો અને ગુણવત્તા માપવા માટેની મશીનરી પણ મૂકવામાં આવી છે.
‘ફ્યુલી સર્વિસ’ શરૂ કરી યુવાનોને નવો રાહ ચીંધ્યો
કોરોના મહામારીમાં લોકોને હવે રોજગારીના નવા-નવા વિકલ્પની દિશામાં વિચારવાની ફરજ પડી રહી છે, ત્યારે વડોદરા શહેરના ચાર યુવાનોએ ‘ફ્યુલી સર્વિસ’ શરૂ કરીને બેરોજગાર યુવાનોને નવો રાહ ચીંધ્યો છે. ફ્યુલી સર્વિસ દ્વારા વડોદરા શહેર સહિત ચાર જિલ્લામાં માર્કેટ ભાવથી ડીઝલની ડોર સ્ટેપ ડિલિવરી કરવામાં આવી રહી છે. ડીઝલની ડોર સ્ટેપ ડિલિવરીના બિઝનેસને આગળ ધપાવવા માટે 4 યુવાનોએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે ડીઝલ મેળવવાનો કોન્ટ્રેક્ટ કરી તેમનું સપનું સાકાર કર્યું હતું.
ચારેય યુવા સાહસિકોએ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો મેળવી છે
ડીઝલની હોમ ડિલિવરી માટેના બિઝનેસના સ્વપ્નને સાકાર કરનારા ફ્યુલી સર્વિસીઝના ચાર યુવાન સાહસિકોએ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવી છે. આ યુવાનો તેમના કામ અને ગ્રાહકોને સંતોષ માટે કટિબદ્ધ છે. પૂર્વમ્ પટેલે બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. અલય પટેલે બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. વ્યોમ અમીને માસ્ટર્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ કર્યો છે અને સપન પટેલે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઇન ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.