હવામાન વિભાગની આગાહી પ્રમાણે બિપોરજોય વાવાઝોડું ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. ગઈકાલે સાંજ સુધીમાં તે ગોવાના દરિયાકાંઠાથી ૮૪૦ કિમીના અંતરે હતું અને મુંબઈથી વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમમાં ૮૭૦ કિમી તથા પોરબંદરના દરિયાકિનારેથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૮૯૦ કિમિ દૂર હતું. આ વાવાઝોડું આગામી ૪૮ કલાકમાં ભયજનક ગતિ હાંસિલ કરીને અતિ તીવ્ર બની જશે. આગામી બે દિવસ વાવાઝોડું તીવ્ર ગતિએ આગળ વધતું રહેશે.
હવામાન વિભાગના કહેવા અનુસાર અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું આ બિપોરજોય વાવાઝોડું હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. એટલે કે તેની દિશા હાલ ઓમાન તરફની દર્શાવાઈ રહી છે. વાવાઝોડાંની હાલની દિશા પરથી કહી શકાય તે ગુજરાતના દરિયાકિનારે ટકરાશે નહીં. વાવાઝોડું ભલે ગુજરાતના દરિયાકિનારે ન ટકરાય પણ તે ગુજરાતની નજીકની પસાર થશે એટલે ગુજરાતમાં આ વાવાઝોડાંની થોડી અસર જોવા મળશે.
બિપોરજોય વાવાઝોડાંની અસરના પગલે ગુજરાતના દરિયાકિનારે ૪૦ કિમી થી ૫૫ કિમી સુધી પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમુદ્રમાં જોવા મળતું તોફાન વધી ગયું છે અને દરિયો વધુ ને વધુ તોફાની બની રહ્યો છે. વાવાઝોડાંની અસરના કારણે દરિયામાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું છે. આ ભેજ પવન સાથે ગુજરાત આવશે અને ગુજરાતના દરિયાકિનારાઓના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ લાવશે.
વાવાઝોડાંની અસરના કારણે હવામાન વિભાગ અને રાજ્યનું વ્યવસ્થા તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે. દરિયામાં ૧૦ થી ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે અને દરિયો તોફાની બની રહ્યો છે. આ કારણે હવામાન વિભાગે દરિયાકાંઠે બે નંબરનું ભયજનક સિગ્નલ લગાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે, કે તેઓ કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડે.
ચોમાસા અંગે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ચોમાસા અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ચોમાસું કેરળ પહોંચી ગયું છે. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે તેમ નથી. એક વાર ચોમાસું મુંબઈ પહોંચી જાય પછી જ કહી શકાય કે ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે. જોકે સામાન્ય રીતે ૧૫ થી ૨૦ જુનની આસપાસ ચોમાસુ શરૂ થઈ જાય છે.
હાલ વાવાઝોડાંની અસરના કારણે રાજ્યના કેટલાંક ભાગોમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. રાજ્યનું હવામાન મોટેભાગે સૂકું જ રહેશે, પણ વધતાં જતાં ભેજના પ્રમાણને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ ક્યાંક ક્યાંક અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર
આજે અમદાવાદ, આણંદ, ભરુચ, જૂનાગઢ, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં તાપમાનનો પારો ૪૧ ડીગ્રી જેટલું રહેશે જ્યારે બોટાદ અને અમરેલી જિલ્લો ૪૨ ડીગ્રી તાપમાન સાથે તપશે. આજે અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, મોરબી, પંચમહાલ, પાટણ વગેરે જિલ્લામાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી જેટલો રહેશે.
આજે બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, ડાંગ, નર્મદા અને સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં ૩૯ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે દેવભુમિ દ્વારકા, નવસારી અને સુરત જિલ્લામાં ૩૭ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે, જ્યારે વલસાડ જિલ્લામાં ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે ગીર સોમનાથ જિલ્લામાં ૩૬ ડીગ્રી અને પોરબંદર જિલ્લામાં ૩૪ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. જો ભેજની વાત કરીએ તો આજે પોરબંદર જિલ્લામાં ૬૦% જેટલું ભેજવાળું વાતાવરણ રહેશે.