રાજ્યમાં ચોમાસનું ધમાકેદાર આગમન (Gujarat Weather) થઇ ગયું છે, પરંતુ ચોમાસું 10 દિવસ મોડું આવ્યું છે. ચોમાસાએ દસ્તક આપી તે પહેલાં રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લીધે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી ચૂક્યો હતો. બિપોરજોય વાવાઝોડાને લીધે ચોમાસા પર શું અસર પડી અને આ વર્ષે ચોમાસું કેમ ગૂંચવણ ભર્યું અને નવી જાતનું છે? તે અંગે હવામાનની સચોટ આગાહી કરનાર નિષ્ણાત અંબાલાલે (Ambalal Patel) જણાવ્યું છે. પવનોની દિશા, વાવાઝોડું અને વરસાદની સિસ્ટમ વચ્ચે શું થયું અને હાલ શું સ્થિતિ છે? તે અંગે અંબાલાલ પટેલે સમજાવ્યું છે.
આ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસામાં વિલંબનું કારણ બિપોરજોય વાવાઝોડું છે. આ વાવાઝોડાને કારણે સમુદ્રનું ભેજ ખેંચાયું હતું. જેના લીધે 8મી જૂને દક્ષિણના બહારના છેડે આવેલું ચોમાસું 11મી તારીખે આગળ વધી વિલંબમાં મુકાઇ ગયું. કારણ કે, ત્યાં સુધી બિપોરજોય વાવાઝોડું દેશના અંદરના ભાગમાં થોડું મજબૂત થયું અને આ વાવાઝોડું બંગાળના ઉપસાગર પરથી ભેજ ખેંચવા લાગ્યું. આમ બહાર અને અંદર વાવાઝોડાની પરિસ્થિતિ અને બહાર સર્ક્યુલેશનના કારણે તે બહાર જઇ શક્યું નહીં.
આ ગતિવિધિના કારણે મોનસુન સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં એક્ટિવ થઇ. જ્યારે અબરસાગરનું સમયવાહી પ્રવાહ આવો જોઇએ, તે આવી શક્યો નહીં. તેથી પશ્ચિમ ઘાટ વરસાદ વિહોળો રહી ગયો. પરંતુ અત્યારે બંગાળના ઉપસાગરનું વહન છે અને ઓડિશાના ભાગમાં હવાનું હળવું દબાણ થયું છે, તેમ આ કંઇ નવી જાતનું ચોમાસું છે. કેમ કે, આ ચોમાસામાં લો પ્રેશરની સિસ્ટમો, દેશના વિવિધ ભાગોમાં થાય છે. સાથે હવાનું સર્ક્યુલેશન પણ વિવિધ ભાગોમાં થાય છે.
હાલની સ્થિતિ વિશે વાત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, હમણા જોઇએ કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરનો ભેજ છેક ઉત્તર ભારતમાં સર્ક્યુલેટ થતો હતો. તે પંજાબથી બંગાળના ઉપસાગર સુધી બનતો હતો. પરંતુ આ દરમિયાન ઓડિશામાં લો પ્રેસર સિસ્ટમ વધુ મજબુત બની છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં આ સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતના કેટલાક ભાગોને જળબંબોળ કરી નાંખશે, એવું મારું માનવું છે. વાતાવરણની સાનુકૂળતા અને ગ્રહો-નક્ષત્રો પ્રમાણે પણ વરસાદની સિસ્ટમ જણાઇ આવે છે.
હાલ વરસી રહેલા વરસાદ વિશે વાત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ સ્પેલ 5મી જુલાઇ સુધી રહેવાનો છે અને ભારે રહેવાનો છે. આ સ્પેલમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે અને પૂર આવવાની શક્યતા છે. સાબરકાંઠા-બનાસાકાંઠામાં વરસાદની શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીની આવકની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. નર્મદા બે કાંઠે થઇ શકે છે.