આ છોકરી એ પોતાની માતા ઉપર થતી ઘરેલુ હિંસા જોઈ મહિલાઓ સાથે થતી ઘરેલું હિંસા વિરુદ્ધ અભિયાન ચલાવે છે

સંઘર્ષથી સફળતા મળી:ઓરિસ્સાની મંજુ પાત્રા બાળ વિવાહ અને મહિલાઓ સાથે થતી ઘરેલું હિંસા વિરુદ્ધ અભિયાન ચલાવે છે, પોતાની માતાને જોઈ પ્રેરણા મળી
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 20 વર્ષની મંજુ પાત્રાએ તેના ગામમાં 16 વર્ષની છોકરી અને 20 વર્ષના છોકરાના લગ્ન અટકાવ્યા. મંજુએ છોકરાના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. એ પછી છોકરાનો પરિવાર એટલો ગુસ્સે ભરાયો કે મંજુ ને કિડનેપ કરવાની ધમકી આપવા લાગ્યા, પરંતુ તે અડગ રહી. બાળ વિવાહ વિરુદ્ધ અવાજ ઊઠાવી રહેલી મંજુની હિંમત વખાણલાયક છે. મંજુ ઓરિસ્સામાં કાલાહાંડી રાજ્યમાં બોરભત ગામની રહેવાસી છે. અહીંની મહિલાઓની સ્થિતિ ઘણી દયનીય છે. આ છોકરીઓને સ્કૂલે મોકલવા કે ભણવા દેવાને બદલે તેમના બાળ વિવાહ કરવામાં આવે છે. આવા માહોલમાં રહીને મંજુને બાળ વિવાહ રોકવાની પ્રેરણા તેની માતા પાસેથી મળી.
મંજુએ કહ્યું, મારી માતાની 14 વર્ષની ઉંમરે પિતા સાથે લગ્ન થયા. તે સમયે પિતાની ઉંમર 17 વર્ષ હતી. મારી માતાએ 14 બાળકોને જન્મ આપ્યો તેમાંથી 4 સંતાન જીવિત છે. મેં માતાનું દુઃખ અને તકલીફો જોઈ છે. આ બધું જોઈને જ મને બાળ વિવાહ વિરુદ્ધ બોલાવની પ્રેરણા મળી. હું ઈચ્છું છું કે મારી માતાએ જે દુઃખ સહન કર્યું તે બીજા કોઈને ક્યારેય સહન ના કરવું પડે.
ગામની છોકરીઓને ભણાવે છે
મંજુએ 2017માં ધોરણ 12 પાસ કર્યા પછી ઓક્સફેમ ઇન્ડિયાની મદદથી મહિલાઓ સાથે થતી હિંસા અને બાળ વિવાહ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. મંજુ ગામની મહિલાઓને જાગૃત કરે છે. અહીંના લોકો અભ્યાસનું મહત્ત્વ જ નહીં પણ પોતાના અધિકાર પ્રત્યે પણ જાગૃત થઈ ગયા છે. મંજુ માને છે કે, સમાજમાં છોકરીઓના હિતની પ્રથમ સીડી શિક્ષણ છે. હાલ મંજુએ BBAની ડિગ્રી લીધી છે. તે જોબ કરીને સ્વતંત્ર જીવન જીવવા ઈચ્છે છે.