સવારે સ્નાન કરવું એ દરેક વ્યક્તિની દિનચર્યાનો એક ભાગ હોય છે. સવારનું સ્નાન અસીમ સુખ આપનાર હોય છે. રાત્રે મનમાં આવેલા વિકારોથી શરીર અશુદ્ધ થઈ ગયું હોય છે તેથી સવારે જાગી અને સૌથી પહેલાં સ્નાન કરવાનું વિધાન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે.
પરંતુ સમય સાથે લોકોની આદતોમાં પણ ફેરફાર થયા છે અને સ્નાન કરવાનો સમય અને વિધિનું મહત્વ પણ ભુલાઈ ગયું છે.
વર્તમાન સમયમાં લોકો સવારે ચા-નાસ્તો કરી પેટ ભરીને નહાવા જાય છે. શાસ્ત્રો અનુસાર આ રીત તદ્દન ખોટી છે. આજે જાણી લો સ્નાનનું શું છે મહત્વ અને કેવી સ્નાન ઉત્તમ ફળ આપે છે. નિયમિત રીતે સૂર્યોદય સમયે પથારીનો ત્યાગ કરી સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ.
નહાવાના પાણીમાં કાળા તલ ઉમેરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.
સ્નાન કરતી વખતે સૌથી પહેલાં પાણી માથા પર નાંખવું જોઈએ. આમ કરવાથી શરીરના ઉપરના ભાગની બધી જ ગરમી પગના માધ્યમથી બહાર નીકળી જાય છે. શાસ્ત્રોક્ત મહત્વ સાથે આયુર્વેદમાં પણ સ્નાનના અનેક પ્રકાર અને લાભ વિશે જણાવાયું છે.
શરીરને સ્વચ્છ કરવાની સાથે સ્નાનથી મન પણ પ્રફુલ્લિત થાય છે અને થાક ઉતરી જાય છે. નિયમિત સ્નાન નિરોગી કાયા અને ચમકતી ત્વચા માટે જરૂરી છે. શુભફળની પ્રાપ્તિ કરવા માટે સૂર્યોદય પહેલાં નહાવું જોઈએ. આ સ્નાન કરનાર અલક્ષ્મીથી મુક્ત થાય છે અને બુદ્ધિવાન બને છે.સ્નાન કરતી વખતે ગુરુ મંત્ર અચૂક બોલવો. હવે જાણો કેટલા છે સ્નાનના પ્રકાર અને તેનાથી કેવા લાભ થાય છે.
બ્રહ્મ સ્નાન
સવારે લગભગ 4થી 5 વાગ્યા સુધીમાં ભગવાનનું નામ લેતાં લેતાં સ્નાન કરવામાં આવે તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે. આ રીતે સ્નાન કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે.
દેવ સ્નાન
સૂર્યોદય પછી સ્નાન કરનારને વિવિધ નદિઓના નામ લેતાં લેતાં સ્નાન કરવું જોઈએ. આ સ્નાનને દેવ સ્નાન કહેવામાં આવે છે. આ સ્નાન જીવનની ચિંતાઓને દૂર કરે છે.
દાનવ સ્નાન
ચા-નાસ્તો કર્યા પછી સ્નાન કરવામાં આવે તેને દાનવ સ્નાન કહેવાય છે. આ રીતનું અનુકરણ જે વ્યક્તિ કરે છે તેના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે.
યૌગિક સ્નાન
યોગના માધ્યમથી પોતાના ઈષ્ટદેવનું ચિંતન અને ધ્યાન કરી અને સ્નાન કરવામાં આવે તેને યૌગિક સ્નાન કહેવાય છે. યૌગિક સ્નાનને આત્મતીર્થ પણ કહેવાય છે. કારણ કે આ રીતે સ્નાન કરવાથી તીર્થ યાત્રામાં સ્નાન કર્યા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.