આપણામાંથી ઘણાં લોકો બિઝનેસ કરવાનું વિચારતા હોય છે, પણ એ ધંધો કે બિઝનેસ કેટલું ચાલશે તેના વિશે કહીં શકાય તેમ નથી. નવી નવી ટેક્નોલોજી બજારમાં આવતી જાય છે અને કેટલાંય ધંધાઓ બંધ થતાં જાય છે. આજથી ૧૫ વર્ષ પહેલાં એવા કેટલાંય ધંધા હતાં કે જેની બહુ બોલબાલા હતી, જેમ કે ટેલિફોન બૂથ, મોબાઇલ રીચાર્જ, રેડીયો રીપેરીંગ, સીડી, ડીવિડી બર્ન વગેરે. આજે એના જેવા કેટલાંય ધંધાઓ બંધ થઈ ગયા છે. જો તમારે પણ કોઈ ધંધો શરૂ કરવો હોય કે પછી શેર બજારમાં કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યાં હોવ તો આ લેખ તમારા માટે જ છે. આજે આપણે ૮ એવા ધંધા/ બિઝનેસ વિશે વાત કરીશું જે ક્યારેય બંધ થઈ શકે તેમ નથી. વાંચો વિગતે..
રેન્ટલ પ્રોપર્ટી બિઝનેસ
આ એક એવો ધંધો છે જે ક્યારેય બંધ થતો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. આજે જે લોકો પાસે પ્રોપર્ટી છે એમને આ ધંધાનું મહત્ત્વ ખબર જ હશે. પોતાની પ્રોપર્ટી ભાડા પર આપવાનો બિઝનેસ આજે બહું ચાલે છે. આ ધંધો તમને દર મહીને આવક પૂરી પાડે છે. આ એક એવો ધંધો છે, જેને મોંઘવારી પણ નડતી નથી. કારણ કે, વધતી મોંઘવારીની સાથે ભાડું પણ વધતું જોવા મળે છે. આવનારા દિવસોમાં આ બિઝનેસ એક મોટા બિઝનેસ તરીકે જોવાઈ રહ્યો છે. આજે કેટલાંય એવા લોકો છે, જેઓ ફક્ત પોતાની પ્રોપર્ટી ભાડે આપીને કોઈ જ કામ ધંધો કર્યા વગર આરમથી જિંદગી પસાર કરે છે.
પેઇન્ટ બિઝનેસ
આ ધંધો પણ દિવસે ને દિવસે વધતો જ જાય છે. આ એક એવો બિઝનેસ છે જે હંમેશા ચાલતો રહેવાનો છે. જેમ જેમ કન્સ્ટ્રક્શન વધતું જાય છે તેમ તેમ આ બિઝનેસની ડિમાંડ પર બધતી જોવા મળે છે. નવા કન્સ્ટ્રક્શન માટે અને જૂના કન્સ્ટ્રક્શનને રીનોવેટ કરવા માટે પેઇન્ટ એક અગત્યનો ઘટક છે. પ્રોપર્ટી ભાડે આપવાવાળા લોકોને પણ પોતાની પ્રોપર્ટીને નવી રાખવા માટે પેઇન્ટ તો કરાવો જ પડે છે. આ પણ એક એવો બિઝનેસ છે જે ક્યારેય બંધ થઈ શકે એમ નથી.
મેરેજ એન્ડ ઇવેન્ટ પ્લાનિંગ
આ બિઝનેસ હાલ પૂરજોશમાં ચાલે છે. આજના દેખાદેખીના જમાનામાં લોકો કોઈપણ નાના-મોટા પ્રસંગમાં લાખો-કરોડો રૂપિયા વહાવી દેતાં હોય છે. આ બદલાતી દુનિયામાં લોકો પોતાના મેરેજ કે કોઈપણ પ્રસંગના મેનેજમેન્ટ અને પ્લાનિંગ માટે પ્રોફેશનલ લોકોને રાખતાં હોય છે. આ મેરેજ અને ઇવેન્ટ પ્લાનર મેરેજના બજેટ પ્રમાણે મસમોટી ફી વસુલતા હોય છે. દુનિયા ગમે તેટલી આગળ વધી જાય પણ મેરેજ અને ઇવેન્ટ લોકોના જીવનમાંથી ક્યારેય નહીં જાય. આમ, આ બિઝનેસ પણ અમરત્વ ધરાવે છે.
ટાયર (Tyre) બિઝનેસ
આ એક એવો બિઝનેસ છે જે ક્યારેય બંધ થવાનો નથી. જ્યાં સુધી પૃથ્વી પર રોડ રહેશે અને તેના પર ગાડીઓ ચાલતી રહેશે ત્યાં સુધી આ બિઝનેસ પણ ચાલતો રહેશે. પેટ્રોલ-ડીઝલવાળી ગાડીઓ બંધ થશે તો ઇલેક્ટ્રિક ગાડીઓ આવશે, તે બંધ થશે તો બીજું કાંઈક આવશે, પણ આ ટાયર બનતા ક્યારેય બંધ થવાના નથી. લોકો ગાડીઓ વાપરશે તો ટાયર ઘસાશે એટલે ફરીથી ટાયર ખરીદશે એમ આ બિઝનેસ ચાલતો જ રહેવાનો છે. એજ કારણે આજે ટાયર બનાવતી કંપનીઓ MRF, Apolloના શેર આસમાને છે.
શિક્ષણ
એક કડવી હકીકત એ છે કે લોકોએ આજે શિક્ષણને ધંધો બનાવી દીધો છે, પણ આ એક એવો ધંધો છે, જે ક્યારેય બંધ થવાનો નથી. આજે દિવસે ને દિવસે શિક્ષણનું સ્તર વધતાની સાથે આ ધંધામાં હરીફાઈ પણ વધતી જોવા મળે છે. આજે લોકો ઘરે બેઠા ઓફલાઇન કે ઓનલાઇન શિક્ષણના માધ્યમથી લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. યૂ ટ્યુબ પર તો કેટલાંક શિક્ષકોની લોકપ્રિયતા ફિલ્મી સેલિબ્રિટીને પણ ઝાંખી પાડે તેવી છે. આજે Buyjus, Unacademy જેવા એપ્સ લાખોની કમાણી કરી રહ્યાં છે.
હોસ્પિટલ
આજે હોસ્પિટલ પણ એક એવો બિઝનેસ બની ગયો છે, જે હંમેશા ચાલતો જ રહેવાનો છે. જ્યાં સુધી પૃથ્વી પર માનવજાત રહેશે ત્યાં સુધી પોતાની બદલતી જીવનશૈલીને કારણે બીમાર પડતી રહેશે અને લોકો હોસ્પિટલમાં આવતાં રહેશે. આજે આ ધંધો સૌથી સારો અને વધારે નફો કરાવતો બિઝનેસ છે. જે પણ કંપનીઓ આ બિઝનેસમાં છે તમે તે કંપનીના શેર જોઈ શકો છો. તે દિવસે ને દિવસે વધી રહ્યાં છે.
ફાર્મા કંપની
આગળ કહ્યું એમ, માનવજાત રહેશે ત્યાં સુધી પૃથ્વી પર બીમારી રહેશે અને લોકોની બીમારી દૂર કરવા માટે દવાઓની જરૂર પડવાની જ છે. આજે અનેક ફાર્મા કંપનીઓ માર્કેટમાં છે, જે દિવસે ડબલ અને રાત્રે ચારગણી કમાણી કરી રહી છે. આ કંપનીઓનો નફો પણ ઘણો વધારે હોય છે. જો તમારે રોકાણ કરવું હોય તો ફાર્મા કંપનીઓ એક સારો ઓપ્શન છે.
હાઉસિંગ
હાઉસિંગ અને રિયલ એસ્ટેટ એવો બિઝનેસ છે, જે ક્યારેય બંધ થવાનો નથી. દરેક લોકો પૈસા કમાય છે, કારણે કે તેઓ પોતાનું એક ઘર ખરીદી શકે. દરેકનું એક સપનું હોય છે કે તેમનું પોતાનું એક ઘર હોય. એટલે આજે જ્યાં પણ હાઉસિંગ સ્કીમ આવે કે લોકો તરત જ તેને ખરીદી કરવા કે તેમાં રોકાણ કરવા દોડી જાય છે. આ બિઝનેસમાં પ્રોપર્ટીની કિંમત તેજ ગતિએ વધતી જોવા મળે છે. આજે તમે જે ઘર ૫૦ લાખમાં ખરીદશો તેની કિંમત આવનારા ૩ કે ૪ વર્ષોમાં ૧ કરોડની થઈ જશે. આટલું ઝડપી અને આટલું વધારે રીટર્ન દુનિયાનો કોઈ જ ધંધો કે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ નથી આપતી.