રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 27.72 ટકા વરસાદ નોંધાયો છે. સાથે જ હજુ પણ વરસાદ થશે. 25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. હજુ પહેલો રાઉન્ડ પૂર્ણ થયો નથી, ત્યાં બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે અને કેટલો વરસાદ થશે? (Gujarat Rain Forecast) તેનું પૂર્વાનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાહેર કર્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, હાલમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. હજુ પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, પરંતુ આ વહન હજુ પણ ચાલુ રહેશે. 3થી 5 જુલાઈમાં વરસાદ રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 7થી 12 જુલાઈમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. જેમાં 11થી 12 જુલાઈએ દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની શકયતા છે. 15 જુલાઈથી 20 જુલાઈમાં રાજ્ય સહિત અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
જુલાઈમાં આવતું વહન અતિ ભારે વરસાદનું છે. જ્યારે 24 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. ઉત્તર ભારતની નદીઓમાં પુર આવશે. ગંગા જમનાની મેદાનમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ગુજરાતની નદીઓમાં પણ પૂરની શક્યતાઓ રહેશે. જુલાઈથી ઓગસ્ટની શરૂઆતમાં ભારે વહન આવશે.
તેમજ જે ભાગોમાં કાતરા નામની જીવાત પડશે, તે વિસ્તારમાં વિષમ હવામાનના લીધે વરસાદની માત્રા ઓછી રહેવાની શક્યતાઓ છે. ઓગસ્ટની શરૂઆતમાં હવાનું વહન પણ ભારે રહેશે. જુલાઈમાં સારો વરસાદ રહેશે
સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે, બુધ શુક્રના સંયોગના કારણે ભારેથી અતિભારે વરસાદ રહેશે. રાજ્ય સહિત દેશના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ રહેશે અને 7 જુલાઈથી 12 જુલાઈમાં વરસાદનો બીજો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થશે.
બીજી બાજુ, હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી સંભાવનાઓ છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજયના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વિસાવદરમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરમાં 11, કપરાડામાં 10 ઈંચ, અંજારમાં 9.5, ખેરગામમાં 9 ઈંચ, ભેંસાણમાં અને બગસરામાં 8 ઈંચ, બેચરાજી-ધરમપુર-રાજુલામાં 7 ઈંચ, ચિખલી-ડાંગમાં 6.5 ઈંચ વરસાદ પડ્યો છે. 38 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 123 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.