અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘બિપરજોય’ ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમે 300 કિલોમિટર દૂર, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમે 290 કિલોમિટર, જખૌ બંદરથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમે 340 કિલોમિટર, નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમે 350 કિલોમિટર અને પાકિસ્તાનના કરાચીના દક્ષિણે 480 કિલોમિટર દૂર છે.
જોકે, તાજા અહેવાલો અનુસાર વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે, પરંતુ પશ્ચિમ તરફે તેનો પથ થોડો ફંટાયો છે.
છતાં હવામાન વિભાગ અનુસાર હજુ પણ વાવાઝોડાના સંભવિત લૅન્ડફૉલનો પથ પાકિસ્તાનના કરાચી અને કચ્છના માંડવી વચ્ચે જખૌ બંદર પાસે થવાની આગાહી યથાવત્ છે.
હવામાન વિભાગનું કહેવું છે કે 14મી તારીખની સવાર સુધીમાં વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને સૌરાષ્ટ્ર તથા કચ્છ ઉપરાંત પાકિસ્તાનના કાંઠાઓ પરથી પસાર થશે, જ્યારે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચેથી ગુજરાતના જખૌ બંદર પાસે સાંજે પસાર થશે.
વાવાઝોડું અતિ તીવ્ર ગતિ સાથે પસાર થશે અને પવનની મહત્તમ ગતિ 125-135 કિલોમિટર રહી શકે છે જેમાં તેની તીવ્રતા 150 કિલોમિટર પ્રતિકલાકની રહી શકે છે.
હવામાન વિભાગે વાવાઝોડાના જે શક્યતઃ દિશાની આગાહી કરી છે એ અનુસાર તારીખ 15મી જૂનના સવારે 5:30 વાગ્યે 150 કિલોમિટરની તીવ્રતા ધરાવતા પવનો સાથે કચ્છના જખૌ બંદરેથી એ પસાર થશે.
વાવાઝોડું સૌથી પહેલા આ જ વિસ્તારમાં ત્રાટકવાની શક્યતા છે. અહીંથી તેનો પ્રવેશ શરૂ થશે અને બાદમાં લૅન્ડફૉલ થશે.
હવે સવાલ એ છે કે, જ્યાં વાવાઝોડું ત્રાટકશે ત્યાં શું થઈ શકે? ત્યાં કેવું નુકસાન થઈ શકે છે?
કયા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે?
હવામાન વિભાગ અનુસાર ગુજરાતના ત્રણ જિલ્લા– કચ્છ, દ્વારકા અને જામનગરમાં રેડ ઍલર્ટ છે. આ ત્રણેય જિલ્લામાં સૌથી વધુ અસર થવાની શક્યતા છે.
વળી જ્યાં વાવાઝોડું લૅન્ડફૉલ કરવાની શક્યતા છે એ જખૌ બંદર પણ અસરગ્રસ્ત બની શકે છે.
વાવાઝોડાને કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદ વરસવાની ચેતવણી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે, જ્યારે તેના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો ઘણી વિસ્તારોમાં હાલ વરસાદ વરસી પણ રહ્યો છે.
તદુપરાંત 14મી જૂને ઉપરોક્ત જિલ્લાઓમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
વાવાઝોડાના લૅન્ડફૉલના મુખ્ય દિવસે વરસાદનું પ્રમાણ અને તીવ્રતા વધી શકે છે. જેમાં ઉપરોક્ત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને છૂટાછવાયા વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ આ દિવસે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને જૂનાગઢ તથા રાજકોટ જિલ્લામાં નુકસાનની શક્યતા છે.
વાવાઝોડાને લીધે કાચાં મકાનો તૂટી જવાં, કેટલાંક પાકાં મકાનોને પણ નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે. વળી હવામાં ફંગોળાતી વસ્તુઓથી પણ જોખમ રહેશે. વીજળી અને સંદેશાવ્યવહારની સેવાના થાંભલા તૂટી પડવા, જમીનમાંથી ઊખડી જવા અથવા વળી જવાની શક્યતા છે.
કાચા અને પાકા રસ્તાઓને પણ મોટું નુકસાન થઈ શકે છે. બહાર નીકળતા રસ્તાઓ પર પાણી ફરી વળવાં, રેલવે લાઈનો ખોરંભાઈ જવી, ઑવરહેડ પાવર લાઇનો અને સિગ્નલ સિસ્ટમને નુકસાન થઈ શકે છે.
ઊભો પાક, છોડ, વૃક્ષો પરનાં ફળોને વ્યાપક નુકસાન થઈ શકે છે. લીલાં નાળિયેર પડી જવાં અને તાડનાં વક્ષોની ડાળીઓ તૂટી જવી, આંબા જેવાં ઘટાદાર વૃક્ષો પડી જવાં સહિતનું નુકસાન થઈ શકે છે.