ધોરણ ૧૨ પછી આગળ ભણવું હોય તો સરકાર આપશે રૂપિયા, જાણો કેવી રીતે?

હમણાં જ ધોરણ ૧૨નું રીઝલ્ટ આવ્યું અને બધાં વિચારતા જ હશે કે ક્યાં એડમિશન લેવું, કઈ બ્રાંચમાં લેવું, કેટલો ખર્ચો થશે, વગેરે… જો તમારે ધોરણ ૧૨ પછી આગળ ભણવું હોય તો ગભરાવાની જરૂર નથી. કોલેજોના ખર્ચાને પહોચી વળવા સરકાર તમને રૂપિયા આપશે. સરકારી સહાયની મદદથી તમે તમારું ઉચ્ચ અભ્યાસનું સપનું સાકાર કરી શકો છો અને મનપસંદ બ્રાંચ જેવી કે મેડીકલ કે એન્જિનીયરીંગમાં વિના સંકોચે એડમિશન લઈ શકો છો.
સરકારની એવી ઘણી યોજનાઓ હોય છે જે આપણને અનેક રીતે ફાયદાકારક હોય છે પણ એના વિશે પૂરતી માહિતી ન હોવાના કારણે આપણે એ યોજનાનો લાભ નથી લઈ શક્તા. આજે આપણે એક એવી યોજના વિશે જાણીશું જે તમને અથવા તમારા બાળકોને ઉચ્ચ અભ્યાસમાં ખૂબ મદદરૂપ થશે અને તમે ઓછા ખર્ચે વધુ અભ્યાસ કરી શક્શો. આ યોજનાનું નામ છે ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’. આ યોજના અનુસાર સરકાર તમને તમારી કોલેજની રૂપિયા ૨ લાખ સુધીની ફી અને પુસ્તકો તથા કોલેજના જરૂરી સાધનો માટે સાધન સહાય પણ આપશે. જાણો કઈ રીતે લેશો આ યોજનાનો લાભ.
આ યોજનાનો લાભ કઈ રીતે મળશે
• જો તમારી વાર્ષિક આવક રૂ. ૬ લાખ હોય તો તમારા બાળકોને આ યોજનાનો લાભ સરળતાથી મળશે.
• તમારા બાળકને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૦ પરસેંટાઈલ કે તેનાથી વધુ આવ્યા હોવા જોઈએ.
• જો તમારા બાળકને ડિપ્લોમામાં અભ્યાસ કરાવો છે તો ધો.૧૦માં ૮૦ પરસેંટાઈલ કે તેનાથી વધુ આવ્યા હોવા જોઈએ.
હવે જાણો યોજના ફાયદા
• સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલના અભ્યાસ માટે કોલેજની વાર્ષિક ટ્યુશન ફીના ૫૦% કે રૂ. ૨૦૦,૦૦૦ પૈકી જે ઓછું હશે તે.
• સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ માટે કોલેજની વાર્ષિક ટ્યુશન ફીના ૫૦% કે રૂ. ૫૦,૦૦૦ પૈકી જે ઓછું હશે તે.
• સ્નાતક કક્ષાના અન્ય કોર્સીસ માટે કોલેજની વાર્ષિક ટ્યુશન ફીના ૫૦% કે રૂ. ૧૦,૦૦૦ પૈકી જે ઓછું હશે તે.
• સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા કોર્સ માટે કોલેજની વાર્ષિક ટ્યુશન ફીના ૫૦% કે રૂ. ૨૫,૦૦૦ પૈકી જે ઓછું હશે તે.
સાધન- પુસ્તક સહાય
• મેડીકલ/ડેન્ટલના સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રથમ વર્ષે પુસ્તક અને સાધનો ખરીદી માટે રૂ. ૧૦,૦૦૦ મળશે.
• એન્જિનીયરીંગ, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચરના સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રથમ વર્ષે પુસ્તક અને સાધનો ખરીદી માટે રૂ. ૫,૦૦૦ મળશે.
• ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રથમ વર્ષે પુસ્તક અને સાધનો ખરીદી માટે રૂ. ૩,૦૦૦ મળશે.
અરજી કેવી રીતે કરશો
વિદ્યાર્થીએ દ્વારા NIC તૈયાર કરેલ વેબપોર્ટલ https://mysy.guj.nic.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરુ દસ્તાવેજોની ખરાઈ માટે વિદ્યાર્થીએ રાજ્યમાં આવેલાં કુલ ૯૧ હેલ્પ સેન્ટરો પૈકી પોતાના નજીકના સેન્ટર પર જઈને ખરાઈ કરવાની રહેશે.