આમ તો દરેકના ઘરમાં પિતૃની છબી હોય જ છે. પિતૃની છબી ઘરમાં હોવાથી તેમની કૃપા ઘર-પરિવાર પર રહે છે અને તેનાથી પરિવારના લોકોને લાભ પણ થતા હોય છે. પરંતુ અમુક લોકો જાણતા કે અજાણતા પિતૃની છબી કોઈ પણ જગ્યાએ લટકાવી દેતા હોય છે. જે વાસ્તુશાસ્ત્ર અનુસાર અયોગ્ય ગણાય છે. તેથી તેને વ્યવસ્થિત અને સાચી દિશામાં રાખવી જોઈએ. શું તમે જાણો છો કે પિતૃની છબી કોઈ ખોટી દિશામાં હોય તો નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે પિતૃની છબી કંઈ દિશામાં લગાવવી જોઈએ અને કંઈ દિશામાં ન લગાવી જોઈએ.
સંસ્કૃતિ અને પરંપરા અનુસાર આપણા પિતૃઓને માન-સન્માન આપવું જોઈએ અને પિતૃઓના માન સન્માનની જાળવણી થવાના કારણે તેઓના આશીર્વાદ આપણા પર હંમેશા રહે છે. આપણા આ સંસ્કારો અનુસાર વર્ષમાં એક મહિનો એવો પણ આવે છે કે જેમાં પિતૃઓને પિંડદાન આપવામાં આવે છે, પાણી ચઢાવવામાં આવે છે, હવન કરવામાં આવે છે અને પુજા કરવામાં આવે છે. આમ કરવાથી પિતૃના આશીર્વાદ અને કૃપાદ્રષ્ટિ આપણા પર પડતી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ છબીઓ કંઈ દિશામાં રાખવી જોઈએ ? તો ચાલો જાણીએ કે કંઈ દિશામાં પિતૃની છબી રાખવી જોઈએ.સૌપ્રથમ તો તમારે પિતૃની છબી કદી પણ મંદિરમાં ન રાખવી જોઈએ. અહીં પિતૃની છબી હોય એ અશુભ ગણાય છે.
આમ તો સામાન્ય રીતે પૂજાઘર ઈશાન ખૂણામાં હોય છે અને પૂજાઘર ઈશાન ખૂણામાં હોવાથી પિતૃની છબી પૂર્વ દિશામાં રાખવી જોઈએ. જો પૂજા ઘર પૂર્વ દિશામાં હોય તો તમે ઈશાન ખુણામાં પિતૃની છબીઓ રાખી શકો છો.
ઉત્તર દિશા તરફ પિતૃની છબી રાખવી એ શુભ મનાય છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી અહીં પિતૃઓની છબી હોવી એ શુભ મનાય છે. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં કદી પણ પિતૃની છબી ન રાખવી જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પિતૃની છબી હોવાથી ઘરના વિકાસ પર અસર પડે આવે છે. તેનાથી ઘરની ઉન્નતિ રૂંધાય જાય છે અને સાથે જ તે દિશામાં છબી હોવાના કારણે ધન-સંપત્તિને પણ નુકસાન થવાની શક્યતા રહે છે.
ઘરના બ્રહ્મસ્થાન એટલે કે મધ્યભાગમાં કદી પણ પિતૃની છબી ન રાખવી જોઈએ. મધ્ય ભાગમાં છબી હોવાના કારણે તમારા પિતૃના માન સન્માનને ઠેસ પહોંચે છે. પિતૃઓની છબી ઉમરાની ઉપરની દિવાલ પર ન હોવી જોઈએ. કારણ કે અહીંથી વારંવાર અવરજવર હોવાથી તેઓનું અપમાન થાય છે.
એક બીજી વાત પણ જણાવી દઈએ કે તમારા પૂર્વજોની છબી હોય તેની આજુબાજુ જીવિત વ્યક્તિની છબી ન રાખવી જોઈએ. આમ કરવાથી જીવિત વ્યક્તિ પર દુષ્પ્રભાવ પડી શકે છે.આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે પિતૃની છબી પર માળા ચઢાવવી જોઈએ અને જો પિતૃ ઉપર કુદરતી ફૂલોની માળા હોય તો ખુબ જ શુભ મનાય છે અને આ કુદરતી ફુલની માળા રોજ બદલવી જરૂરી છે.