રક્ષાબંધનના આ તહેવારમાં સુરતમાં જોવા મળી છે અનોખી મીઠાઈ. આ વર્ષે મીઠાઇની એક દુકાનમાં નવી અનોખી મીઠાઈ જોવા મળી છે. સોનાની મીઠાઈ છેલ્લાં ત્રણ વર્ષથી ચર્ચામાં રહી છે. આ વર્ષે સોનાની મીઠાઈની સાથે કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકતરી, બબલ્સ ગમ અને હાલમાં જ ખૂબ ચર્ચામાં રહેલું ‘બચપન કા પ્યાર’ ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે. ભાઈ-બહેનના બાળપણના પ્યારની યાદ આપે એવી મીઠાઈ બનાવી છે, જે ખૂબ આકર્ષણ જગાવી રહ્યું છે.
માર્કેટમાં અનોખા પ્રકારની મીઠાઈઓ જોવા મળી
દિવાળી હોય કે રક્ષાબંધન, કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરો છે. મીઠાઈથી મોઢું મીઠું કરાવતાં જ તહેવારનો આનંદ બમણો થઈ જતો હોય છે. કોરોના વચ્ચે આ વર્ષે ભાઈ-બહેનનો પવિત્ર રક્ષાબંધનો તહેવાર ઊજવવા મળશે, જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી આ વર્ષે માર્કેટમાં અનોખા પ્રકારની મીઠાઈઓ જોવા મળી છે. હાલમાં જ ખૂબ જ પ્રખ્યાત થઇ ચૂકેલા અને લોકોના જીભે વળગી રહેલા ‘બચપન કા પ્યાર’ ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે.
‘બચપન કા પ્યાર’ મીઠાઈ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની
સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાં કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકતરી, બબલ્સ ગમની બચપન કા પ્યાર નામથી મીઠાઈનું વેચાણ જોવા મળી રહ્યું છે, જેમાંથી બચપન કા પ્યાર મીઠાઈ લોકો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ મીઠાઈ ખાસ ભાઈ-બહેન વચ્ચેનો બાળપણનો પ્રેમ અને એની યાદો ફરી તાજી થાય એ પ્રકારે બનાવી છે. મીઠાઈ વેચનાર રાધાબહેને જણાવ્યું હતું કે વર્ષો પહેલાં બબલ્સની એક ચ્યુઇંગ ગમ આવતી હતી, જે હવે નથી મળતી અને એનો જે સ્વાદ હતો એ સ્વાદ સાથેની મીઠાઈ બનાવી છે, જે નામ ‘બચપન કા પ્યાર’ નામ આપવાનું નક્કી કર્યું હતું.
સોનાની મીઠાઈ પણ મળી રહી છે
રાધા મીઠાઈવાલા (મીઠાઈ વિક્રેતા )એ જણાવ્યું હતું કે બચપન કા પ્યારની સાથે આ જ દુકાનમાં છેલ્લાં ત્રણ વર્ષથી એક એવી મીઠાઈ મળે, જેને જોઈને જ લોકો એ વિચારમાં પડી જાય છે કે આ મીઠાઈને ખાવી કે જોવી. પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાં સોનાની મીઠાઈ મળી રહી છે. આ એનો એક કિલોનો અધધધ 9 હજાર રૂપિયા ભાવ છે. આ ભાવ સાંભળીને જ આશ્ચર્ય પડી જવાય, પરંતુ મીઠાઈ પણ જેવી તેવી થોડી છે. આ મીઠાઈ પર ખાસ રિયલ સોનાનું વરખ ચડાવેલું છે, જેને ખાઈ શકાય એ રીતે ઉપયોગમાં લીધું છે.
મીઠાઈ ટેસ્ટ કરતાં જ ગ્રાહકો આકર્ષિત થઈ જાય છે
બીની કાપડિયા ( ગ્રાહક )એ જણાવ્યું હતું કે જે રીતે બચપન કા પ્યાર ગીત ફેમસ થયું છે એને ધ્યાનમાં રાખી આ મીઠાઈ બનાવાઈ છે અને એને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોને પ્રથમ આ નવીન મીઠાઈ ટેસ્ટ કરાવવામાં આવે છે. ટેસ્ટ કરતાં જ ગ્રાહકો આકર્ષિત થઈ જાય છે. ગ્રાહકોએ જણાવ્યું હતું કે આ મીઠાઈ આ વર્ષે રક્ષાબંધનમાં ભાઈ-બહેન માટે ખૂબ સારી બની રહેશે. મોટાને પણ ભાવે અને નાનપણની યાદ અપાવે એવો આ મીઠાઈનો સ્વાદ છે. નાનપણમાં ખાવામાં આવતી ચ્યુઇંગ ગમનો સ્વાદ ફરી મીઠાઈમાં સામે આવતાં ભાઈ-બહેનની નાનપણની યાદો તાજી થશે.
મીઠાઈની બનાવટ સામે લોકો રૂપિયા ખર્ચવા પણ તૈયાર
કાજલ જરીવાલા (ગ્રાહક)એ જણાવ્યું હતું કે સુરતની આ ચડિયાતી મીઠાઈ તમારા મોંમાં પાણી લાવી દેશે. લોકો તહેવારોમાં તો વિશેષ મીઠાઈ ખાવાની પસંદ કરતા હોય છે, કારણ કે મીઠાઈ તહેવારનો આનંદ વધુ વધારે છે, જેને કારણે જ લોકો મીઠાઈ પાછળ રૂપિયા ખર્ચવામાં બહુ વિચાર કરતા નથી. આ મીઠાઈ થોડી મોંઘી છે. 850 રૂ. કિલો મીઠાઈ છે, પરંતુ મીઠાઈની બનાવટ સામે લોકો આ રૂપિયા ખર્ચવા પણ તૈયાર થઈ રહ્યા છે.