હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે વાવાઝોડું સતત પોતાનો માર્ગ બદલી રહ્યું છે. ગઈ કાલે ઉત્તર પશ્ચિમ તરફ ઓમાન તરફ ફંટાયું હતું, પણ આજે પાછું તેનો ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું હાલ વેરી સિવિયર સાયક્લોનમાં ફેરવાઈ રહ્યું છે. દરિયામાં હાલ ૧૪૦ કિમી થી ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયો વધુ ને વધુ તોફાની બની રહ્યો છે. વાવાઝોડું સતત પોતાનો માર્ગ બદલી રહ્યું છે. ઘડીકમાં તેનો માર્ગ ઓમાન તરફ હોય છે તો ઘડીકમાં તેનો માર્ગ ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે.
સતત બદલાત માર્ગ સાથે વાવાઝોડાંએ એ ભય ફેલાવ્યો છે કે તે ગુજરાત પર ત્રાટકશે કે તેમ. હાલ વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી ૬૪૦ કિમી દૂર જોવા મળી રહ્યું છે. તે ૧૧ કિમીની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાંની ગંભીર અસરના કારણે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયો પોતાની પૂરી તાકાતથી તોફાને ચડ્યો છે. હવામાન વિભાગે માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
વાવાઝોડાંને પગલે ગુજરાતનું તંત્ર હાલ ખડે પગે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ હવામાન વિભાગના અધિકારીઓ અને જિલ્લા વહિવટી તંત્ર સાથે મિટિંગ યોજીને વાવાઝોડાંની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવામાન વિભાગે પોતાના કર્મચારીઓને કોઈપણ સંજોગોમાં કચેરી ન છોડવા આદેશ આપ્યો છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો પર હાલ બે નંબરનું ભયજનક સિગ્નલ લગાવ્યું છે.
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતાં ગામડાંને હાઈ એલર્ટ પર રાખ્યાં છે. અને આવનારા સંજોગોમાં ગામડાં ખાલી કરવા પડે તેવી સ્થિતિ સર્જાય તો ગામડાં ખાલી કરવાની પૂરી તૈયારી રાખવી એમ કહ્યું છે. હલ કોઈ પણ વ્યક્તિને દરિયા નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જિલ્લાઓના પોલીસ તંત્ર દ્વારા દરિયાકિનારા તરફ રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ પણ વ્યક્તિ આગળ વધીને દરિયાની નજીક ન જઈ શકે.
આ વાવાઝોડું સતત પોતાનો માર્ગ બદલી રહ્યું છે, એટલે એ કહેવું મુશ્કેલ છે કે તે ગુજરાત પર ત્રાટકશે કે કેમ. પણ એ નિશ્ચિત છે કે તે ગુજરાતના દરિયાકિનારેથી જ પસાર થશે. જો તે ગુજરાતના દરિયાકિનારેથી પસાર થાય તો પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૧૪૦ કિમી થી ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
એક નજર જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, આણંદ, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરા જિલ્લામાં ૪૨ ડીગ્રી જેટલું તાપમાન નોંધાવાની શક્યતા છે. જ્યારે અમરેલી જિલ્લામાં ગરમીનો પારો આજે ૪૩ ડીગ્રી સુધી ચઢી શકે છે. આજે અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, પંચમહાલ, પાટણ, મોરબી અને રાજકોટ વગેરે જિલ્લાઓમાં ૪૧ ડીગ્રી જેટલું તાપમાન રહી શકે છે.
આજે ભાવનગર અને દાહોદ જિલ્લામાં ૩૯ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે, જ્યારે વલસાડ અને દેવભુમિ દ્વારકામાં આજે ૩૭ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે. આજે સુરત, નવસારી અને ગીર સોમનાથ જિલ્લામાં ૩૮ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે, જ્યારે જામનગર જિલ્લામાં ૩૬ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે. જો ભેજની વાત કરીએ તો આજે જામનગર જિલ્લાની હવામાં ૪૯% જેટલો ભેજ રહેવાની શક્યતા છે.
આજે સાબરકાંઠા, બનાસકાંઠા, ડાંગ, નર્મદા, વગેરે જિલ્લાઓમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રી જેટલો રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે પોરબંદર જિલ્લો માત્ર ૩૫ ડીગ્રી તાપમાન સાથે સૌથી નીચુ તાપમાન ધરાવતો જિલ્લો બનશે. જો ભેજની વાત કરીએ તો આજે પોરબંદર જિલ્લાની આબોહવામાં ૫૩% જેટલો ભેજ નોંધાઈ શકે છે. આજે વાવાઝોડાંની અસરના પગલે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.