જીવ સૌ કોઈને વહાલો હોય. પરંતુ પરસેવો પાડીને કરેલી કમાણીથી બનાવેલું ઘર જ્યારે ભયના ઓથાર હેઠળ છોડવાનો વારો આવે ત્યારે શું થાય? જ્યારે જિંદગી બચાવવી એ જ મોટો પડકાર હોય એવા સમયે ઘરને તાળુ મારતા પહેલા શું સાથે લેવું અને શું મૂકી દેવું? ઘરેણા, ઘરના દસ્તાવેજ, બાળકોના સર્ટિફિકેટ સાચવવા કેવી રીતે? જે પશુથી પરિવારનું ગુજરાન ચાલતું હોય, જ્યારે જીવ પર આવી પડે ત્યારે તેને સાથે લેવા, છોડી દેવા કે ખીલે બાંધી રાખવા? આ મૂંઝવણ પ્રાથમિક શાળામાં આસરો લઈ રહેલાં તમામ લોકોના ચહેરો પર જોવા મળી.
કચ્છમાં જખૌથી લઈને માંડવી સુધીના 80 કિલોમીટરના પટ્ટામાં હજારો લોકોના જીવ અદ્ધર થઈ ચુક્યા છે. મધદરિયેથી કચ્છ તરફ વધી રહેલું બિપરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. સરકારી આદેશ અને કુદરતના ક્રોધનો અંદાજો લગાવીને ગુજરાતના 8 જિલ્લાના 70 હજારથી પણ વધુ લોકો સલામત સ્થળે પહોંચી ચુક્યા છે. ત્યારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચેલી દિવ્ય ભાસ્કરના રિપોર્ટર કમલ પરમારે જે જોયું તેનો સચોટ ચિતાર કંઈક આવો છે.
બે કિલોમીટર પહેલા જ પોલીસે રોકી લીધા
સવારના 8 વાગ્યાનો સમય હતો જ્યારે અમે ભુજથી જખૌ બંદર જવા માટે રવાના થયા હતાં. આ વિસ્તારમાં ઘણી જગ્યાએ રસ્તાની હાલત બિસ્માર છે. વાવાઝોડાના એલર્ટના કારણે રસ્તા પર વાહનોની અવર અત્યારથી જ ઓછી જોવા મળી. કારમાં 120 કિલોમીટરની મુસાફરી કરીને અમે જખૌ પોર્ટની નજીક પહોંચ્યા. ત્યાર રસ્તામાં પોલીસનો કાફલો જોવા મળ્યો. જે પણ લોકો આવતા-જતા હતા તેમનું ચેકિંગ થતું હતું. લોકોને જખૌ પોર્ટ તરફ જવાનું કારણ પૂછવામાં આવતું હતું, તેમના આઈડી કાર્ડ પણ પોલીસ માગી રહી હતી. સંતોષકારક કારણ જણાય તો જ જે તે વ્યક્તિને આગળ જવાની પરવાનગી પોલીસ આપી રહી હતી. અહિંયાથી જખૌ બંદર બે કિલોમીટર દૂર હતું. પણ અત્યારથી જ બિપરજોય વાવાઝોડાને લઈને તંત્રની ગંભીરતાનો અંદાજો આવી જાય એમ હતો.

આ ચેક પોસ્ટથી થોડે આગળ જ વધ્યા ત્યાં જમણી તરફ મીઠાની ખેતી જોવા મળી. દરિયા કાંઠો નજીક હતો પરંતુ કોઈ વ્યક્તિની અવર-જવર જોવા મળતી ન હતી. દરિયા કાંઠે પહોંચ્યા તો અમને કિનારે લાંગરેલી મોટી-મોટી બોટ જોવા મળી. જેની સંખ્યા 70થી પણ વધુ હશે. પોર્ટ પર કેવી સ્થિતિ છે? અને અહીંના દરિયામાં કેવા પ્રકારનો કરંટ છે? એ જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે વાવાઝોડું ભલે જખૌમાં ટકરાવાની સંભાવનાઓ હોય પણ અહીંનો દરિયો અન્ય જગ્યાના દરિયા કરતા ખૂબ જ શાંત જોવા મળ્યો હતો.
વાવાઝોડાના એલર્ટ વચ્ચે દરિયા કિનારા નજીકના મકાનો પર તાળા વાગ્યા
કિનારાથી થોડે દૂર જતાં કેટલાક મકાનો જોવા મળ્યાં. અમે અમારી ગાડીમાંથી ઉતરીને એ મકાનો પાસે જઈને જોયું કે શું વાવાઝોડાના એલર્ટ વચ્ચે પણ અહીં કોઈ વ્યક્તિ છે કે નહીં. પરંતુ આ વસાહતમાં અમને એક પણ વ્યક્તિ નજરે ન પડી. વાવાઝોડું આવે એ પહેલાં જ અહીંયાં કેટલાક ઘરની છત અને નળિયા તૂટેલી હાલતમાં જોવા મળ્યા. સામાન્ય રીતે માછીમારીના કારણે આ સ્થળે 24 કલાક કોઈને કોઈ હાજર હોય જ. પરંતુ અત્યારે વાદળ છાયા વાતાવરણ અને પવનના સુસવાટા વચ્ચે ભયાવહ સન્નાટો જ અનુભવાઈ રહ્યો હતો.

અમારી મુલાકાત જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલશા પીરજાદા સાથે થઈ. તેમણે કહ્યું, ‘જખૌ બંદર પર હાલમાં કોઈ માનવ વસતિ નથી. 31 મેથી જ માછીમારીનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. બોટમાં મિકૅનિકલ અને સુથાર કામ માટે 100થી 150 લોકો જખૌ બંદર પર હતા. પરંતુ તેમને મામલતદાર, ફિશરિઝ વિભાગ અને મરીન પોલીસે સલામત સ્થળે ખસેડી દીધા છે.’

‘…તો 100થી 125 કિમીના વિસ્તારના ગામડાઓનો નાશ થઈ જશે’
અબ્દુલશા પીરજાદાએ કહ્યું, ‘મને લાગે છે કે જો વાવાઝોડું જખૌ બંદર પર આવે તો 100થી 125 કિલોમીટરના આસપાસના વિસ્તારમાં જે ગામડા છે, તેમનો નાશ થઈ જશે. ગોંધીયા ક્રિક પર લો ટાઈડ હોય અને પવન ન હોય તો નુકસાન નહીં થાય પણ જો હાઈટાઈડ હોય અને પવન હોય તો કરોડો રૂપિયાનું નુકસાન થશે. જખૌ બંદર પર 4500થી 5000 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. કુદરત પાસેથી એટલું જ ઈચ્છીએ કે જો અમારું નુકસાન ન થાય તો સારું, જેથી કોઈની સામે અમારે હાથ ફેલાવવા ન પડે. તૌકતે વાવાઝોડુ આવ્યું એ વખતે માછીમારોને ફિશરિઝ વિભાગે ઘણી રાહત આપી હતી. ત્યારે આ વખતે પણ આ પ્રકારની સહાય કરવી જોઈએ.’
અબ્દુલશા પીરજાદાએ જખૌ બંદરના ઈતિહાસ અંગે જાણકારી આપતા કહ્યું કે, ‘આ બંદરને વિકસાવવા માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી બોટો મંગાવવામાં આવી હતી. જખૌ બંદર પર મત્સ્ય કેન્દ્ર બનાવવાની અમલવારી 1999માં થઈ. આજે આપણે જે જેટી પર ઉભા છીએ, તેના માટે ગુજરાત સરકારે 160 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી હતી.’

મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડના જવાનોએ શુંકહ્યું?
થોડા સમયમાં જ જખૌ પોર્ટ પર અમારી પાસે મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડના કેટલાક જવાનો આવ્યા. જખૌ મરીન પોલીસના એક પોલીસકર્મીના જણાવ્યાં અનુસાર, ‘વાવાઝોડાની સંભાવનાના પગલે અમે અહીં બે દિવસ પહેલાંથી જ આસપાસના ગામના લોકોને જખૌની પ્રાથમિક સ્કૂલમાં બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યાં છે અને ત્યાં જ તેમની તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે.’
આટલી જાણકારી મળ્યા બાદ અમે જખૌની પ્રાથમિક શાળામાં પહોંચ્યાં. ત્યાં હાજર લોકોએ પોતે જે પરિસ્થિતિમાં ઘર છોડીને આવ્યા, હાલ કેવી સ્થિતિ છે અને તેમને કેવો ભય લાગી રહ્યો છે, તેની માહિતી આપતા કુદરત સામે નત-મસ્તક થયેલા જોવા મળ્યા.

જ્યારે અમે પ્રાથમિક શાળામાં પહોંચ્યાં ત્યારે કેટલાક લોકોના ચહેરા પરનું સ્મિત જાણે કે ફીકું પડી ગયું હતું. એ ગંભીર ચહેરા પર નિરાશ દેખાતી હતી. જ્યારે વડીલોની ચિંતાથી અજાણ માસુમ બાળકો રમકડાંનો ફોન હાથમાં લઈને સેલ્ફી લેવાની રમત રમતા હતા.

શેલ્ટર હોમમાં દીકરી કરી રહી છે પરિવારની ચિંતા
અહીં અમારી સૌથી પહેલી મુલાકાત દરાડવાન ગામમાંથી સ્થળાંતર થઈને આવેલી અનીશા અહમદ સાથે થઈ. અનીશાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘અમે વર્ષોથી જખૌમાં વસવાટ કરી રહ્યાં છે. અમારો પરિવાર ખેતી અને ઘેટાં-બકરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. વાવાઝોડાના કારણે અમારે ઘર છોડવું પડ્યું ત્યારે મારી સાથે મારા ઘરના સભ્યોમાંથી માત્ર કેટલાક લોકો જ અહીં આવ્યાં છે. કારણ કે અમારા 150 કરતાં વધુ ઘેટાં-બકરાને ક્યાં રાખવા? એ ચિંતામાં અમારા પરિવારના કેટલાક સભ્યો હજી પણ અમારા ઘરે જ રોકાયેલા છે.’
દિવ્ય ભાસ્કર સમક્ષ પરિવારના સભ્યોનો ઉલ્લેખ કરી રહેલી અનીશાની આંખોમાં પરિવારને કંઈક થઈ જશે તેવો ડર ચોક્કસથી દેખાતો હતો. તેણે કહ્યું કે, ‘જ્યારે મારા પરિવારના અન્ય લોકોને પણ અમારી સાથે આવવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે જ્યારે વાવાઝોડું વધવાની શક્યતા હશે ત્યારે અમે આવી જઈશું. આ વાતનો મને સતત ડર છે પણ સાહેબ હવે તો ઉપરવાળો જે કરે એ ખરું.’
વલસાડથી આવ્યા અને જખૌમાં ફસાઈ ગયા
અનીશા સાથે વાત કર્યા બાદ અમારી મુલાકાત મૂળ વલસાડના અને જખૌમાં માછીમારીનો વ્યવસાય કરતા જીતેન્દ્ર ટંડેલ સાથે થઈ. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘હાલમાં અમારી માછીમારીની રફ સિઝન ચાલી રહી છે. જેના કારણે અમે ત્રણ મહિના બોટનું મેન્ટનન્સ કરતાં હોઈએ છીએ. એટલે અમે અહીં મેન્ટનન્સ જ કરાવવા માટે આવ્યાં હતા. પણ આ વખતે વાવાઝોડાના કારણે અમને પોર્ટ છોડી દેવાનું કહેવામાં આવ્યું. અમે અહિંના લોકો પાસેથી હાલમાં એક જ વાત સાંભળીએ છીએ કે કંડલામાં 25 વર્ષ પહેલા જે વાવાઝોડું આવ્યું હતું, એના કરતાં પણ ખૂબ જ ગંભીર વાવાઝોડું અહીં ટકરાવાની શક્યતાઓ છે. જો ખરેખર એવું બનશે તો અમને ખૂબ જ મોટું નુકસાન થશે. પણ હું તો બધું જ ભગવાન ઉપર છોડું છું. હવે તો ઉપરવાળો જે કરે એ જ ખરું.’
‘કોઈ ચમત્કાર જ બચાવી શખશે’
જીતેન્દ્ર ટંડેલે જણાવ્યું કે, ‘પેઢીઓથી અમે આ વ્યવસાયમાં જોડાયેલા છે. અત્યાર સુધી આવું ભયાનક વાવાઝોડું અમે નથી જોયું. જો એ આવશે તો ક્યાંક અમારી રોજીરોટી છીનવાઈ ન જાય તેનો અમને હાલ ડર સતાવી રહ્યો છે. કારણ કે બોટ પાછળ અમારી ઘણી મહેનત અને મૂડી લાગેલી હોય છે. એટલે હવે કોઈ કુદરતી ચમત્કાર થાય તો જ બધું બરોબર થશે એવી આશા છે.’
મહિલાએ કહ્યું, અત્યારે તો માથે છત છે, વાવાઝોડું પછી શું થશે?
આ લોકો સાથે વાતચીત કર્યા પછી અમે શેલ્ટર હોમના અન્ય રૂમ પાસે પહોંચ્યાં. જ્યાં અમારી મુલાકાત સુલેમાન રોશનબેન સાથે થઈ. રોશનબેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘અમે છેલ્લા 40 વર્ષ થી અહીં રહીએ છીએ અને અમે માછીમારીનું કામ કરીએ છીએ. વાવાઝોડું આવવાનું છે, જેના કારણે અમને ડર છે કે અમારું કાચું મકાન છે એ પણ પડી જશે. એટલે અમારા માથે છત નહીં રહે. હાલમાં અમારી બોટો બંધ છે અને મારા પરિવારના સાત-સાત સભ્યો છે. એમાંય ચાર તો નાના બાળકો છે. જો આવી પરિસ્થિતિમાં બાળકોને અને અમારી બોટને કંઈ થઈ જશે તો અમારે શું કરવાનું? અત્યારે તો અમને શેલ્ટર હોમમાં ભોજન અને રહેવાની જગ્યા મળી ગઈ છે. પણ જ્યારે વાવાઝોડું જતું રહેશે એ પછી અમે પાછા જઈશું ત્યારે અમને કોણ મદદ કરશે? હવે તો આ સરકાર પાસે જ અપેક્ષા છે કારણ કે આ સરકાર જ માઈ-બાપ છે. બીજું તો કોઈ કંઈ કરી શકે એમ છે નહીં.’

આ શેલ્ટર હોમમાં કેવા પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ છે એ જાણવા માટે અમે અહીં બનાવવામાં આવેલી ઓફિસમાં પહોંચ્યાં. જ્યાં સીઆરસી તરીકે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ ચૌહાણ સાથે અમારી મુલાકાત થઈ. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘જખૌ આસપાસના મુખ્ય ત્રણ ગામોમાંથી 400 જેટલા લોકોનું શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં જખૌ પોર્ટ, આશીરાવાડ અને દરાડવાનનો સમાવેશ થાય છે.’
શેલ્ટર હોમમાં કેવી વ્યવસ્થા ગોઠવાઈ?
જખૌ ખાતે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતાના પગલે નજીકના અસરકારક ગામોમાંથી લોકોને શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા છે. કુલ 400 લોકોનું અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં 70 જેટલા બાળકો 25 વૃદ્ધો અને 5 સગર્ભા મહિલાનો સમાવેશ થાય છે. એક રૂમમાં 10થી 12 લોકોને રાખવામાં આવે છે. તેમને ઓઢવા, પાથરવા તેમજ રાશનની અને પીવાના પાણી સહિત તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ સાથે મેડિકલ સુવિધા મળી રહે તે માટે ચાર લોકો PHC કેન્દ્ર ખાતે 24 કલાક ઉપલબ્ધ છે. જો કોઈને વધુ સારવાર જરૂર જણાય તો ઍમ્બુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે. જેના મારફત તાત્કાલિક 10 કિલોમીટર વિસ્તારમાં આવેલ નલિયા સરકારી દવાખાના સુધી પહોંચાડી શકાય.

પૃથ્વીરાજ સિંહે વધુમાં જણાવ્યું કે, ‘મારે ગ્રામજનો સાથે વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું કે આવું વાવાઝોડું 24થી 25 વર્ષ પહેલાં એટલે કે 1998માં આવ્યું હતું, એ સમયે જે પરિસ્થિતિ હતી એના કરતાં હાલની પરિસ્થિતિ ગંભીર લાગી રહી છે.’