જખૌમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ, દિવસે અંધારપટ્ટ જેવો માહોલ, પાટણમાં અનરાધારથી ઠેર ઠેર પાણી ભરાયા

Posted by

પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી ઠેર ઠેર પાણી ભરાયા છે. છેવાડાના ગામ સાંતલપુરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણામાં પણ અનરાધાર વરસાદ શરૂ થયો છે. જખૌમાં હાલ કાળા ડિબાંગ વાદળોથી દિવસે અંધારપટ્ટ છવાઇ ગયો છે. તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના સામખીયાળીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે.

મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ
કાંકરેજમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કાંકરેજમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરની થરાની મોડલ સ્કૂલનો શેડ ભારે પવનથી ઉડી ગયો છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે. મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પવનને કારણે હાઇવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

સૂઇગામ અને બોરૂમાં ભારે પવન સાથે વરસાદ
બિપરજોયની અસર બનાસકાંઠામાં જોવા મળી છે. દેશના સરહદી વિસ્તાર સૂઇગામ અને બોરું ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી વહીવટી તંત્ર બોરૂ ગામ અગરિયાઓ સાથે સમીક્ષા બેઠક કરવા પહોંચ્યું હતું અને તમામને સેફ હોમમા શિફ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ પાટણમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાયા છે.

ભુજમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં
વાવાઝોડાની અસર ભચાઉ અને જખૌમાં શરૂ થઈ ગઈ હોય એમ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તેમજ ભુજમાં ધોધમાર વરસાદથી જૂના બસસ્ટેન્ડ પાસે રસ્તા પર પાણી ભરાયાં છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયાં છે. જાફરાબાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. જાફરાબાદ બંદર પર ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ જાફરાબાદ સહિત અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 42 kmphની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ લોકોને વાડાઝોડું- ‘તાઉતે’ની યાદ તાજી થઈ રહી છે. ભારે પવનથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના પશ્ચિમ કાંઠા પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

માંડવીમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ
બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, જેની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. આજે સવારથી જ અમદાવાદમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં છે તેમજ વરસાદી ઝાપટાં પણ શરૂ થયાં છે. શહેરના બોપલ, એસજી હાઇવે, નવાવાડજ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. બીજી તરફ, કચ્છના માંડવીમાં તોફાની પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારે ડરામણાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

જામનગરના દરિયાકિનારે ધોધમાર વરસાદ.
જામનગરના દરિયાકિનારે ધોધમાર વરસાદ.

પોરબંદરમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ
પોરબંદરમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તેમજ પવનની ગતિ વધુ હોવાથી રસ્તા પર પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ભુજમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે.

ભારે વરસાદથી જામનગરના દરિયાકાંઠે ભયનો માહોલ.
ભારે વરસાદથી જામનગરના દરિયાકાંઠે ભયનો માહોલ.

રાજકોટમાં સવારથી ધીમી ધારે વરસાદ
24 કલાકના વરસાદની વાત કરીએ તો અંજારમાં 30 મિમી, ભુજમાં 33 મિમી, માંડવીમાં 15 મિમી, મુંદ્રામાં 15 મિમી, નખત્રાણામાં 13 મિમી, રાપરમાં 16 મિમી, અબડાસામાં 11 મિમી, દાંતામાં 10 મિમી, ભચાઉમાં 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટમાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આથી અહીં ડરામણાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

15 આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં જખૌ બંદર પાસે આ વાવાઝોડું ટકરાવાનું છે. 16 અને 17 જૂનના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ અને પવનની ગતિમાં વધારો થશે. અમદાવાદ શહેરમાં 15 અને 16 જૂનના રોજ પવન સાથે ભારે વરસાદની આગાહી છે.

24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલો વરસાદ.
24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલો વરસાદ.

વાવાઝોડું ટકરાશે ત્યારે અતિભારે વરસાદની શક્યતા
15મી જૂને સૌરાષ્ટ્રના-કચ્છમાં જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ભુજમાં સવારથી વરસાદ.
ભુજમાં સવારથી વરસાદ.

મહેસાણામાં ભારે વરસાદની આગાહી
બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.ત્યારે હાલમાં ઉત્તર ગુજરાત પર એની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં 40થી 50 કિમી ઝડપે પવન ફૂૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 62થી 87 કિમી પહોંચી શકે છે તેમજ અઢી ઇંચથી 8 ઇંચ સુધી ભારે વરસાદ વરસી શકે છે. મહેસાણા શહેરમાં વાવાઝોડાનો સામનો કરવા પાલિકાની ફાયર વિભાગને સ્ટેન્ડબાય કરવામાં આવ્યો છે તેમજ હાલમાં 24 કલાક ડ્યૂટી કરી દેવામાં આવી છે.

માંડવી દરિયાકાંઠે પણ સવારથી તોફાની પવન સાથે ધોધમાર વરસાદ.
માંડવી દરિયાકાંઠે પણ સવારથી તોફાની પવન સાથે ધોધમાર વરસાદ.

16 જૂને ઉત્તર ગુજરાત પર વરસાદનું જોખમ
16 જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા સહિત મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ.
રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ.

62થી 87 કિમીની ઝડપે પવન ફૂંકાશે
જ્યારે આ પ્રભાવિત વિસ્તારો સહિતમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં 62થી 87 kmphની ગતિએ પવન ફુંકાવાની સાથે મધ્યથી ભારે વીજળી થવાની શક્યતા છે. બીજી બાજુ પંચમહાલ, મહીસાગર, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવાથી મધ્યમ વીજળી સહિત 30થી 50 kmplની ગતિએ પવન ફૂંકાવાની ભારે શક્યતા છે.

જામનગરના દરિયામાં ધોધમાર વરસાદ.
જામનગરના દરિયામાં ધોધમાર વરસાદ.

17 જૂને મેઘરાજા ઉત્તર ગુજરાતમાં કહેર વરસાવશે
17મી જૂને બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી તથા ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ગીર-સોમનાથમાં મધ્યમથી ભારે વીજળી સહિત 62થી 87 kmphની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી બાજુ, પ્રભાવિત વિસ્તોરો સહિતનામાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર અને ગીર-સોમનાથમાં 30થી 50 kmphના પવન સાથે હળવીથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *